અમદાવાદ-ઇન્દોર નેશનલ હાઇવે પર આજે વહેલી સવારે એક અત્યંત ગમખ્વાર અને ચોંકાવનારો માર્ગ અકસ્માત સર્જાયો છે. લીમખેડા તાલુકાના પાણીયા બસ સ્ટેન્ડ નજીક બે આઇસર ટ્રક વચ્ચે સર્જાયેલા ધડાકાભેર અકસ્માત બાદ ભીષણ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાનક હતી કે કેમિકલ ભરેલી ટ્રકની કેબિનમાં ફસાઈ જવાના કારણે ડ્રાઇવર અને ક્લીનર બંનેના જીવતા ભૂંજાઈ જવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યા હતા. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલીમા છવાઈ ગઈ છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, ગોધરા તરફથી પૂરઝડપે આવી રહેલી કેમિકલથી ભરેલી એક આઈસર ટ્રકે હાઈવેની સાઈડમાં પાર્ક કરેલી અન્ય એક આઈસર ટ્રકને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતાની સાથે જ કેમિકલના અત્યંત જ્વલનશીલ પદાર્થના કારણે ભયાનક બ્લાસ્ટ થયો હતો અને ક્ષણવારમાં જ આગની જ્વાળાઓ ઊંચે સુધી ઊછળવા લાગી હતી. જોતજોતામાં જ બંને વાહનો ભયાનક આગની લપેટમાં આવી ગયા હતા.
જ્વલનશીલ કેમિકલ અને પ્લાયવુડ ખાખ
ટક્કર બાદ કેમિકલ ભરેલી ટ્રકની કેબિનમાં મોટો ધડાકો થયો હતો, જેના કારણે ટ્રકના ડ્રાઇવર અને ક્લીનરને બહાર નીકળવાનો સહેજ પણ મોકો મળ્યો ન હતો. તેઓ કેબિનમાં જ ફસાઈ ગયા હતા અને આગની તીવ્રતા એટલી વધુ હતી કે બંને ગણતરીની મિનિટોમાં જીવતા ભૂંજાઈ ગયા હતા.
બીજી તરફ, હાઈવે પર ઉભેલી જે બીજી ટ્રક સાથે ટક્કર થઈ હતી, તેમાં ભરેલો પ્લાયવુડનો મોટો જથ્થો પણ આ આગની ચપેટમાં આવીને સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો. સદ્નસીબે તે ટ્રકના આગળના મુખ્ય ભાગને બહુ મોટું નુકસાન પહોંચ્યું ન હતું. વહેલી સવારે બનેલી આ ઘટનાનો સખત ધડાકો સાંભળીને આસપાસના ગામના લોકો તાત્કાલિક હાઈવે પર દોડી આવ્યા હતા અને પોતાના સ્તરે આગ ઓલવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
ફાયર બ્રિગેડ અને પોલીસની કામગીરી: ટ્રાફિક પૂર્વવત કરાયો
ઘટના અંગે તાત્કાલિક જાણ કરવામાં આવતાં લીમખેડા અને દેવગઢ બારિયાથી ફાયરવિભાગની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત બાદ પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને લીમખેડા પોલીસનો મોટો કાફલો પણ સ્થળ પર આવી પહોંચ્યો હતો.
પોલીસે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત ટ્રકને સીધી કરાવીને કેબિનમાં ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. ઘટનાસ્થળે જ જરૂરી પંચનામાની કામગીરી પૂર્ણ કર્યા બાદ મૃતદેહોને પોસ્ટમોર્ટમ (PM) અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ ગમખ્વાર અકસ્માતના કારણે અમદાવાદ-ઇન્દોર હાઇવે પર વાહનોની લાંબી લાઈનો લાગી ગઈ હતી અને ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો. પોલીસે ક્રેન વડે વાહનો દૂર ખસેડીને ભારે જહેમતપૂર્વક વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો અને બનાવ અંગે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.