રાજકોટ મહાનગરપાલિકાના ભાજપના પૂર્વ પદાધિકારીઓ અને વર્તમાન પદાધિકારીઓ વચ્ચે મતમતાંતર સહિતના કારણોસર ૨૦૧૭થી ૨૦૨૬ સુધીના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનોના કાર્યકાળના વિવિધ કાર્યક્રમો અને ઉત્સવોના ખર્ચ પેટેના ૨૫૫ જેટલા બિલના પેમેન્ટ આજ સુધી પેન્ડિંગ રાખવામાં આવ્યા હોવાનું જનરલ બોર્ડ મિટિંગમાં પૂછાયેલા એક પ્રશ્નના પ્રત્યુતરમાં સામે આવ્યું છે. દરમિયાન વર્તમાન સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઇ પીપળીયાએ પદગ્રહણ કર્યા બાદ જંગલેશ્વર ડિમોલિશનના ફૂડ બિલની દરખાસ્ત પેન્ડિંગ રાખવા સાથે તુરંત જ એવું જાહેર કર્યું હતું કે તેઓ જૂના બાકી બિલોનું પેમેન્ટ મંજૂર નહીં કરે તો હવે ઉપરોક્ત બાકી ૨૫૫ જેટલા બિલના પેમેન્ટનું શું થશે ? તે અંગે સવાલો ઉઠવા પામ્યા છે.
જનરલ બોર્ડ મિટિંગમાં વોર્ડ નં.૧૬ના કોર્પોરેટર અર્જુનભાઈ પેથાભાઈ ચૌહાણ પૂછાયેલા આ પ્રશ્નના અધિકારીઓએ આપેલા સત્તાવાર પ્રત્યુતરમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ દ્વારા રાજ્ય સરકાર તેમજ મહાનગરપાલિકાના વિવિધ કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. જેમાં વિવિધ મહાનુભાવોની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલી, યોગ દિવસ, પતંગ મહોત્સવ, વિવિધ સંગીત સંધ્યા તેમજ લોકાર્પણ ખાતમુહૂર્ત કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ કાર્યકમો માટે થયેલ ખર્ચના બિલ લગત એજન્સીઓ દ્વારા રજૂ થયેથી, નિયત મંજૂરીની વહીવટી પ્રક્રિયા કરીને ચૂકવણું કરવામાં આવતું હોય છે, જે અન્વયે રાજકોટ મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિકાસ વિભાગ હસ્તક કુલ ૧૯૯ બિલો બાકી છે. આ ઉપરાંત અન્ય પ્રત્યુતરમાં જણાવ્યું છે કે,
રાજકોટ મહાનગરપાલિકા હસ્તકની રેસકોર્ષ સ્નાનાગાર શાખામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૬ દરમિયાન કુલ ૫૬ બીલ ચૂકવવાના બાકી છે. જે એજન્સી દ્વારા નિયમોનુસારના પૂરતાં આધાર-પૂરાવા રજૂ ન કરતાં ચૂકવેલ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ઉપરોક્ત ૨૫૫ બિલ ઉપરાંત અન્ય વિવિધ શાખાઓના વીસેક બિલ મળીને હાલ કુલ ૨૭૫ જેટલા બિલના પેમેન્ટ પેન્ડિંગ છે જેના પરિણામે વેપારીઓ તેમજ સેવાઓ પૂરી પાડનારી એજન્સીઓમાં ભારે દેકારો બોલી ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશથી યોજાયેલા કાર્યક્રમો, વિવિધ ઉત્સવો, સાંસ્કૃતિક કાર્યકમો વિગેરેના બિલ પેમેન્ટ પેન્ડિંગ રહેતા મહાપાલિકાની વિશ્વસનીયતા સામે સવાલો ઉઠવા લાગ્યા છે.
મહત્વપૂર્ણ છે કે હાલથી જ અનેક વેપારીઓ અને કોન્ટ્રાક્ટર એજન્સીઓએ મહાપાલિકા તરફથી મોઢું ફેરવી લીધું છે. બીજીબાજુ જે અધિકારીઓ કે ઈજનેરોએ તત્કાલિન પદાધિકારીઓના મૌખિક આદેશથી તાત્કાલિક અસરથી ચીજ વસ્તુઓ કે સેવાઓ પૂરી પાડવા વેપારીઓ કે એજન્સીઓને આદેશ કર્યા હતા તે અધિકારીઓ અને ઇજનેરોની હાલત પણ માઠી થઇ ગઇ છે.