મોરબી-હળવદ હાઇવે પર ચરાડવા ગામ નજીક એક હૃદયદ્રાવક અને ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. રાત્રિના આશરે ૯:૩૦ વાગ્યાના અરસામાં રોડ ક્રોસ કરી રહેલા એક ડમ્પર સાથે કિયા કાર ધડાકાભેર અથડાતા મરણચીસોથી હાઇવે ગુંજી ઉઠ્યો હતો. આ ભીષણ અકસ્માતમાં કારમાં સવાર પાંચ વ્યક્તિઓએ પોતાના જીવ ગુમાવ્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તેમને હોસ્પિટલ ખસેડાયા હતા.
મળતી માહિતી મુજબ, આ અકસ્માતનો ભોગ બનેલા તમામ લોકો રણછોડગઢ ગામના રહેવાસીઓ હતા. હળવદ તાલુકાના માનસર ગામ પાસે એક બાઈક સ્લીપ થવાને કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો હતો. આ ઇજાગ્રસ્ત વ્યક્તિને વધુ સારવાર માટે કિયા કારમાં બેસાડીને હોસ્પિટલે લઈ જવામાં આવી રહ્યા હતા. પરંતુ રસ્તામાં જ ચરાડવા ગામ નજીક આવેલા એક પેટ્રોલ પંપની સામેના ભાગમાં એક કારખાનામાંથી બહાર નીકળી રોડ ક્રોસ કરી રહેલા ડમ્પર સાથે તેમની કાર ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક અને જોરદાર હતી કે કાર સીધી ડમ્પરની નીચે ઘૂસી ગઈ હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો.
આ દુર્ઘટનામાં ગંભીર રીતે ઘવાયેલા અન્ય બે વ્યક્તિઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હાલમાં તેઓ મોરબી અને રાજકોટની હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે અને તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. આ ભયાનક અકસ્માતની જાણ થતાં જ હળવદ તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે આ મામલે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આ બનાવ સંદર્ભે ફરિયાદ નોંધવાની તજવીજ ચાલી રહી છે.
મૃતકો અને ઇજાગ્રસ્તોની યાદી
1. સુરેશ વિશાભાઈ સિહોરા (ઉંમર વર્ષ: 47)
2. વિરમ ભીમાભાઇ દઢેયા (ઉંમર વર્ષ: 28)
3. પરેશ દિલીપભાઈ દઢેયા (ઉંમર વર્ષ: 24)
4. પ્રેમજી દઢેયા (ઉંમર વર્ષ: 59)
5. ભરત પ્રભુભાઈ દઢેયા (ઉંમર વર્ષ: 39)
ઇજાગ્રસ્તોના નામ
1. પ્રકાશ ભરતભાઈ દઢેયા (ઉંમર વર્ષ: 25)
2. દિલીપ ભગવાનજીભાઈ દઢેયા (ઉંમર વર્ષ: 59)
જેસીબીની મદદથી ફસાયેલા લોકોને બહાર કઢાયા
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર તમામ સાત વ્યક્તિઓ કારના પતરાની વચ્ચે ફસાઈ ગયા હતા. ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો દોડી આવ્યા હતા. કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે તાત્કાલિક જેસીબી મશીનની મદદ લેવી પડી હતી. જેસીબી દ્વારા કારના પતરા ખેંચીને મુશ્કેલીથી તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ અકસ્માતમાં ત્રણ વ્યક્તિઓના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય બે વ્યક્તિઓએ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આમ, આ અકસ્માતમાં કુલ પાંચ લોકોના મોત થયા હતા.