ગેટેડ સોસાયટીઓમાં કોર્પોરેશન સુવિધા આપે, બધું બિલ્ડરો ઉપર ન ઢોળો: હિરેન ખીમાણીયા
ગેટેડ સોસાયટીઓમાં કોર્પોરેશન સુવિધા આપે, બધું બિલ્ડરો ઉપર ન ઢોળો: હિરેન ખીમાણીયા
July 20, 2026 10:35 AM
રાજકોટ મહાપાલિકાની જનરલ બોર્ડ મિટિંગમાં વોર્ડ નંબર ૧૮ કોઠારિયાના ભાજપના કોર્પોરેટર ભારતીબેન શૈલેષભાઈ પરસાણાએ એવો સવાલ ઉઠાવ્યો હતો કે તેમના વોર્ડમાં આવેલી ગેટેડ સોસાયટીઓ ( કમ્પાઉન્ડ વોલ સાથેની ટાઉનશિપ) માં ડ્રેનેજ ફરિયાદ નિકાલ સહિતની સુવિધા-સેવા મહાપાલિકા તરફથી મળતી નથી, લોક ફરિયાદો વધતી જતી હોય કોર્પોરેટરો જવાબો આપીને થાક્યા છે. આવું શા માટે ? મનપા કેમ સેવા ન આપે ? આ મુદે શાસક પક્ષના દંડક સંજયસિંહ રાણા પણ આકરા પાણીએ થયા હતા અને ડ્રેનેજની ફરિયાદો ઉકેલવા વ્યવસ્થા ગોઠવવા માંગણી કરી હતી.
દરમિયાન આ પ્રશ્નની ચર્ચામાં શાસક પક્ષના નેતા હિરેન ખીમાણિયાએ ઝંપલાવ્યું હતું અને કમિશનરને કહ્યું હતું કે બધું જ બિલ્ડરો ઉપર ઢોળવા ને બદલે ૧૫ વર્ષથી વધુ જૂની ગેટેડ સોસાયટી શહેરના કોઈ પણ વિસ્તારમાં હોય ત્યાં કોર્પોરેશન ડ્રેનેજ સહિતની ફરિયાદો અંગે કામગીરી કરે તેવી વ્યવસ્થા નિર્માણ કરો. તેમણે કહ્યું કે બિલ્ડરની જવાબદારી હોય જ પરંતુ આપણે લોકોની ફરિયાદ ઉકેલાય તેની ચિંતા કરવી જોઈએ. કમિશનર આ મુદ્દે હિરેન ખીમાણીયાની વાત સાથે સહમત થયા હતા અને ૧૫ વર્ષથી વધુ જૂની ગેટેડ સોસાયટીમાં ડ્રેનેજના પ્રશ્નો મનપા ઉકેલે તે માટે નીતિ ઘડશે તેમ જણાવ્યું હતું.