BREAKING NEWS

ગુજરાતમાં લોકરક્ષકની આજે લેખિત પરીક્ષા, 2,63,345 ઉમેદવારો 849 પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષા આપવા પહોંચ્યા

  • June 14, 2026 04:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોકરક્ષક (LRD) કેડરની કુલ ૧૨,૭૩૩ જગ્યાઓ માટે આજે, ૧૪ જૂન અને રવિવારના રોજ રાજ્યભરમાં મેગા લેખિત પરીક્ષાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. અગાઉ યોજાયેલી શારીરિક કસોટી (દોડ)માં રાજ્યભરમાંથી અંદાજિત ૬.૩૬ લાખ ઉમેદવારોએ ભાગ લીધો હતો. જેમાંથી કડક માપદંડો સાથે ઉત્તીર્ણ થઈને કુલ ૨,૬૩,૩૪૫ ઉમેદવારો આ લેખિત પરીક્ષા આપવા માટે ક્વોલિફાય થયા છે, જેઓ આજે ખાખી વર્દી મેળવવા માટે પોતાનું નસીબ અજમાવશે.


આ મેગા લેખિત પરીક્ષા રાજ્યના અગ્રણી શહેરો જેવા કે અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ, ભાવનગર અને ગાંધીનગરની આશરે ૮૪૯ જેટલી શાળા-કોલેજોમાં યોજાઈ રહી છે. સવારે ૯.૩૦થી બપોરે ૧૨.૩૦ વાગ્યા સુધી ચાલનારી આ પરીક્ષામાં ઉમેદવારોએ ૨૦૦ માર્ક્સની MCQ (મલ્ટીપલ ચોઈસ ક્વેશ્ચન) પદ્ધતિના પ્રશ્નપત્રનો સામનો કરવાનો રહેશે.


ઉલ્લેખનીય છે કે, આ પરીક્ષા માટેના કોલલેટર ગત ૬ જૂનથી જ ઓનલાઇન ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા હતા, જેથી ઉમેદવારો સમયસર પોતાના સેન્ટરની માહિતી મેળવી ચૂક્યા હતા. પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતિ ન થાય તે માટે તમામ કેન્દ્રો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને વીડિયોગ્રાફી સહિતની કડક સુરક્ષા વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે.


રાજકોટ શહેરમાં જ અંદાજે ૪૪,૦૦૦ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હોવાથી વહેલી સવારથી જ પરીક્ષા કેન્દ્રો પર યુવાનોની ભારે ભીડ જોવા મળી હતી. સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ જિલ્લાઓમાંથી વહેલી સવારે જ ઉમેદવારો રાજકોટ આવી પહોંચ્યા હતા. શહેરના કુલ ૧૫૪ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. પરીક્ષામાં કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તે માટે વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા સજ્જડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રો પર પ્રવેશતા પહેલા પોલીસ વિભાગ દ્વારા જ 'ભાવિ પોલીસ'નું અત્યંત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ લેખિત પરીક્ષામાં કરંટ અફેર્સ, બંધારણ, ગણિત, વિજ્ઞાન, ભૂગોળ અને ઇતિહાસ જેવા મહત્વના વિષયોના કુલ ૨૦૦ પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષા આપવા આવેલા ઉત્સાહી યુવાનોએ જણાવ્યું હતું કે, તેઓ આ ખાખી વર્દી મેળવવા માટે ઘણા લાંબા સમયથી તનતોડ તૈયારીઓ કરી રહ્યા હતા અને આજે તેમનું સપનું પૂરું કરવાનો મોટો દિવસ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application