લાંબા સમયથી તીવ્ર ગરમી અને ભેજ સહન કરી રહેલા મુંબઈના લોકોને આખરે આ ત્રાસમાંથી રાહત મળી છે. જુનની શરૂઆતમાં કોંકણ પહોચી ગયેલું ચોમાસું હવે આગળ વધ્યું છે. રવિવારે મુંબઈ ગરાઓની રજા સુધરી ગઈ હતી અને મોસમનો પહેલો વરસાદ પડતા મોહ નગરી ખુશીથી ઝૂમી ઉઠી હતી. શહેરના ઘણા વિસ્તારોમાં મોસમનો પહેલો સારો વરસાદ પડ્યો હતો. ચોમાસું અઠવાડિયામાં ગુજરાતમાં પધારે તેવી આશા ઉજળી થઇ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસુ આ મહિનાની શરૂઆતમાં દક્ષિણ કોંકણ પહોંચ્યું હતું, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી સોલાપુર નજીક અટકી ગયું હતું.જો કે દેશના અન્ય 8 રાજ્યમાં હજુ પણ અતિશય ગરમીનો કહેર વર્તાઈ રહ્યો છે. પશ્ચિમ ઘાટમાં વાદળોની રચનાને કારણે, મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી પ્રવૃત્તિ વેગવંતી બની છે અને અપેક્ષા છે કે આગામી એક કે બે દિવસમાં, દક્ષિણપશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રના અન્ય ભાગો અને અન્ય રાજ્યોમાં આગળ વધવા માટે સંપૂર્ણપણે અનુકૂળ બનશે.
મુંબઈમાં અંધેરી સબવે પાણીમાં ડૂબ્યો
મુંબઈમાં સોમવારે સવારે પણ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘરાજાએ ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. જો કે, આ પ્રથમ ભારે વરસાદની સાથે જ મુંબઈમાં હંમેશાં જોવા મળતી જળબંબાકારની સ્થિતિ ફરી સર્જાઈ છે. ધોધમાર વરસાદને કારણે મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. મુંબઈનો જાણીતો અંધેરી સબવે સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે વાહનવ્યવહાર પર તેની માઠી અસર પડી છે. અંધેરી સબવે ઉપરાંત અન્ય પણ કેટલાક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં સવારના સમયે ઓફિસે જવા નીકળેલા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
હવામાન વિભાગનું 'યેલો એલર્ટ'
ભારતીય હવામાન વિભાગએ આજે મુંબઈ શહેર અને ઉપનગરો માટે વરસાદનું 'યેલો એલર્ટ' જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે આખો દિવસ મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેશે. આ સાથે જ કેટલીક જગ્યાએ ભારે પવન ફૂંકાવા ઉપરાંત ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થવાની આશંકા છે.હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં દર વર્ષે જેવી મુશળધાર વરસાદની શરૂઆત થાય છે, તેવી ગતિ આ વખતે હજુ સુધી જોવા મળી નથી. મુંબઈ અને આસપાસના વિસ્તારો સિવાય મહારાષ્ટ્રના બાકીના ભાગોમાં હજી પણ જોઈએ તેવો સારો વરસાદ નોંધાયો નથી.
મુંબઈમાં પાણી ભરાવાની સ્થિતિને જોતા મુંબઈ મહાનગરપાલિકા સક્રિય થઈ ગઈ છે.
ચોમાસા આડેના અવરોધ હટી જશે
દેશભરમાં ચોમાસાની ગતિ અંગે વિગતવાર જોઈએ તો તે છેલ્લા 15 દિવસમાં આશરે 19 રાજ્યોમાં પહોંચી ગયું છે, પરંતુ હાલમાં, ઉત્તર પ્રદેશ અને બિહારની સરહદ પર સ્થિત મહારાજગંજ નજીક છેલ્લા નવ દિવસથી તે અટકી ગયું છે.હવામાનશાસ્ત્રીઓની આગાહી છે કે અનુકૂળ સિસ્ટમ સક્રિય થવાને કારણે 23 જૂનની આસપાસ આ અવરોધ દૂર થશે, અને ચોમાસું ઓડિશા, ઝારખંડ, બિહાર, છત્તીસગઢ અને તેલંગાણાના કેટલાક અન્ય ભાગોમાં આગળ વધશે.
ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી
જ્યારે ચોમાસા અને પૂર્વ-ચોમાસાએ દેશના ઘણા ભાગોમાં હવામાન બદલી નાખ્યું છે, ત્યારે ઉત્તરપૂર્વીય રાજ્યોમાં ભારે વરસાદ માટે ગંભીર ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગે આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ જેવા રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડા માટે લાલ અને નારંગી ચેતવણીઓ જારી કરી છે, જેના કારણે અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ અને વાવાઝોડાની સંભાવના છે.આગામી બે દિવસમાં કેરળ, કર્ણાટક, તમિલનાડુ અને તેલંગાણા જેવા દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે વરસાદની આગાહી છે.
આઠ રાજ્યમાં જૂનમાં સામાન્ય કરતા વધુ ગરમી, ગુજરાતમાં હવામાન સામાન્ય રહેવા વકી
દેશના લગભગ આઠ રાજ્યોમાં તીવ્ર ગરમીના મોજા ચાલુ છે, જેમાં ચોમાસા પહેલાની પ્રવૃત્તિ છતાં તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. ઉત્તર પ્રદેશનું બાંદા 44.2 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે દેશનું સૌથી ગરમ સ્થળ હતું, જ્યારે પ્રયાગરાજ, ખજુરાહો અને બ્રહ્મપુરી જેવા શહેરોમાં પણ 42 થી 43 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.હવામાન વિભાગની આગાહી મુજબ, પૂર્વીય ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રનો વિદર્ભ પ્રદેશ આગામી બે દિવસ સુધી તીવ્ર ગરમીના મોજાની ઝપેટમાં રહેશે, જ્યારે ગુજરાત, બિહાર, પશ્ચિમ બંગાળ અને જમ્મુ અને કાશ્મીર જેવા રાજ્યોમાં હવામાન સામાન્ય રહેશે.