BREAKING NEWS

બર્થડે પાર્ટીની ખુશી માતમમાં ફેરવાઈ, 250થી વધુ કિમીની સ્પીડે BMW ડિવાઈડર સાથે અથડાઈ: યુવક-યુવતીનાં મોત

  • June 22, 2026 06:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મહારાષ્ટ્રના બદલાપુર નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જન્મદિવસની ઉજવણી પછી મિત્રો સાથે હાઇ સ્પીડ ડ્રાઇવ પર ગયેલા ત્રણ યુવાનોનો થોડીવારમાં જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. મુંબઈ-વડોદરા હાઇવે પર 250થી વધુ કિલોમીટરની ઝડપે બીએમડબલ્યું કાર ડિવાઈડર સાથે ધડાકાભેર અથડાઈ હતી, જેમાં યુવક અને યુવતીનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે એક યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. કાર એટલી ભયાનક સ્પીડમાં હતી કે તેનો અકસ્માત બાદ કચ્ચરઘાણ નીકળી ગયો હતો. તેમજ મૃતકોના શરીરના અંગો દૂર દૂર સુધી વિખેરાયેલા પડ્યા હતા. 

મૃતકોની ઓળખ બદલાપુરના રહેવાસી યોગેશ નેગી (ઉં.વ.26) અને બાંદ્રાના રહેવાસી રેબેકા જેકબ (ઉં.વ.24) તરીકે થઈ છે. યોગેશનો જન્મદિવસ હતો અને તેણે બદલાપુર પશ્ચિમમાં મિત્રો સાથે પાર્ટી કરી હતી. પાર્ટી પછી, યોગેશ, રેબેકા અને કાર માલિક અંગદ મોડી રાત્રે નિર્માણાધીન એક્સપ્રેસ વે પર ફરવા ગયા હતા.

આ દુ:ખદ અકસ્માત રવિવારની વહેલી સવારે થયો હોવાનું કહેવાય છે. બીએમડબલ્યું કાર ટિટવાલાથી બદલાપુર જઈ રહી હતી. એરનઝાદ વિસ્તાર નજીક ડ્રાઇવરે કાબુ ગુમાવ્યો અને ઝડપી ગતિએ આવતી કાર ડિવાઇડર સાથે અથડાઈ હતી. ટક્કર એટલી ગંભીર હતી કે કાર ગોથા ખાતી ખાતી રસ્તા પર ઢસડાઈ હતી.

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બીએમડબલ્યુ સવારે બે થી ત્રણ વાગ્યાની વચ્ચે એક્સપ્રેસ વે પર બેફામ સ્પીડથી દોડી રહી હતી. એક સાક્ષીએ જણાવ્યું કે કાર બે વાર ખૂબ જ ઝડપથી નીકળી હતી. પણ ત્રીજી વાર જોરદાર વિસ્ફોટ સંભળાયો હતો. જ્યારે અમે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે કાર સંપૂર્ણપણે નાશ પામી હતી. એક યુવતી ખૂબ દૂર ફેંકાઈ ગઈ હતી અને થોડીવારમાં જ તેનું મોત નીપજ્યું હતું.

અકસ્માતમાં બદલાપુરના રહેવાસી યોગેશ દિઘે અને રીકેબા જેકબનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અંગદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને સારવાર માટે થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

અહેવાલો અનુસાર, શનિવારે રાત્રે જન્મદિવસની પાર્ટી પછી મિત્રો બદલાપુર પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને ફોરેન્સિક ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. અકસ્માત સ્થળેથી મહત્વપૂર્ણ પુરાવા એકત્રિત કરવામાં આવી રહ્યા છે. પોલીસ હાલમાં સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે. સૂત્રો સૂચવે છે કે અકસ્માત સમયે ડ્રાઇવર નશામાં હતો, પરંતુ પોલીસે હજુ સુધી આ વાતની સત્તાવાર પુષ્ટિ કરી નથી.

છેવટે 250થી વધુ સ્પીડ બેદરકારી કે કોઈ અન્ય કારણ તે આ ભયાનક અકસ્માતનું વાસ્તવિક ચિત્ર તપાસ પછી જ સ્પષ્ટ થશે. પોલીસના જણાવ્યા અનુસાર, કાર ચલાવનાર અંગદ થાણેની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને હાલમાં તે ખતરાથી બહાર છે. જોકે, એ સ્પષ્ટ નથી કે અંગદ ગંભીર ટક્કરમાં કેવી રીતે બચી ગયો, કારની એરબેગ્સ ખુલી ગઈ કે કોઈ અન્ય કારણોસર. પોલીસે હજુ સુધી તેનું નિવેદન નોંધ્યું નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application