BREAKING NEWS

સૌરાષ્ટ્રથી જતા-આવતા લોકો ધ્યાન આપે...સનાથળ-બગોદરા હાઈવે પર 6-7 ફૂટ પાણી ભરાયા, બંને બાજુનો રસ્તો બંધ, જાણો વૈકલ્પિક રસ્તો

  • July 24, 2026 09:45 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી સતત વરસી રહેલા આફતરૂપી વરસાદને કારણે જનજીવન ભારે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. અનેક નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ચાંગોદર પાસે આવેલા અમદાવાદ-રાજકોટ હાઈવે પર વિપુલ પ્રમાણમાં પાણી ભરાઈ જતાં નાના-મોટા અનેક વાહનો અટવાઈ ગયાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિ વચ્ચે અમદાવાદથી સૌરાષ્ટ્ર તરફ મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.


બગોદરા-સનાથલ હાઈવે વાહનવ્યવહાર માટે સંપૂર્ણપણે બંધ

અતિભારે વરસાદ અને રસ્તાઓ પર ભરાયેલા કમરડોબ પાણીને પગલે સુરક્ષાના કારણોસર બગોદરા-સનાથલ હાઈવેને બંને બાજુથી વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે માહિતી આપતાં એસપી ઓમ પ્રકાશ જાટે જણાવ્યું હતું કે, હાઈવે પર અનેક જગ્યાઓએ આશરે ૬ થી ૭ ફૂટ જેટલું ઊંડું પાણી ભરાયેલું છે. આટલા પાણીમાં કોઈ પણ વાહન પસાર થઈ શકે તેમ ન હોવાથી, હાલ પૂરતો આ રસ્તો બંને તરફથી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જેથી અંદર ફસાયેલા વાહનોને સલામત રીતે બહાર કાઢી શકાય.

સૌરાષ્ટ્ર અને અમદાવાદ આવતા-જતા વાહનો માટે ડાયવર્ઝન રૂટ

પોલીસ તંત્ર દ્વારા જ્યાં સુધી હાઈવે પરથી પાણી ઓસરે નહીં ત્યાં સુધી મુસાફરો માટે કામચલાઉ ડાયવર્ઝન આપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જે વાહનો બગોદરા તરફથી આવી રહ્યા છે, તેઓ બગોદરાથી વેજલકા થઈને એક્સપ્રેસવે મારફતે એસ. પી. રિંગ રોડ તરફ આવી શકશે. તેવી જ રીતે, અમદાવાદથી રાજકોટ તરફ જતાં વાહનચાલકો સનાથલ સર્કલથી એક્સપ્રેસવે પકડીને વેજલકા થઈને આગળ વધી શકશે.


વિરમગામ-સુરેન્દ્રનગર રૂટનો પણ વિકલ્પ ઉપલબ્ધ

આ ઉપરાંત, લાંબા અંતરની મુસાફરી કરનારાઓ માટે વિરમગામ તરફનું પણ એક વૈકલ્પિક ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેને સીધા આગળના જિલ્લાઓમાં જવું હોય તેઓ વિરમગામ અને સુરેન્દ્રનગરવાળો રસ્તો પકડીને પોતાની ગંતવ્ય તરફ નીકળી શકશે. તંત્રના જણાવ્યા મુજબ, આ જાહેર કરવામાં આવેલા ડાયવર્ઝન રૂટ સામાન્ય રસ્તા કરતાં અંદાજે ૪૦ થી ૫૦ કિલોમીટર જેટલા લાંબા રહેશે. પોલીસ તંત્ર દ્વારા વાહનચાલકોને બિનજરૂરી મુસાફરી ટાળવા અને ડાયવર્ઝન રૂટનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application