ગુજરાતમાં સતત વરસી રહેલા ભારે વરસાદને કારણે રેલવે વ્યવસ્થા પર વ્યાપક અસર જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતમાં ગંગાધરા–ઉમરપાડા વચ્ચે આવેલા બ્રિજ નંબર-203 પર પાણીનું સ્તર જોખમી સપાટીએ પહોંચતા આ રૂટ પર ટ્રેન સંચાલન સ્થગિત કરવામાં આવ્યું છે. તેના પરિણામે મોડી રાત્રે વધુ 36 ટ્રેનો સંપૂર્ણ રદ કરવામાં આવી છે, જ્યારે અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ, શોર્ટ ઓરિજિનેટ તેમજ ડાયવર્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રદ કરાયેલી ટ્રેનોમાં અમદાવાદ–મુંબઈ રૂટની મહત્વની ટ્રેનો ઉપરાંત ભુજ, જામનગર, ઓખા, જોધપુર, અજમેર, વડોદરા અને મુંબઈ તરફ દોડતી અનેક ટ્રેનોનો સમાવેશ થાય છે. ગુજરાત મેઇલ, કર્ણાવતી એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ, વંદે ભારત, ડબલ ડેકર સહિત અનેક લોકપ્રિય ટ્રેનોનું સંચાલન પણ અસરગ્રસ્ત બન્યું છે.
આ ઉપરાંત કેટલીક ટ્રેનોને તેમના નિર્ધારિત સ્થળ સુધી પહોંચાડવાને બદલે વડોદરા, સાબરમતી, કિમ સહિતના સ્ટેશનો સુધી જ દોડાવવામાં આવશે. કેટલીક ટ્રેનોનું પ્રસ્થાન પણ બદલવામાં આવ્યું છે, જ્યારે દક્ષિણ ભારત તરફ જતી કેટલીક ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મુસાફરોને પ્રવાસ પહેલાં પોતાની ટ્રેનની સ્થિતિની માહિતી મેળવીને જ મુસાફરી કરવાની અપીલ કરવામાં આવી છે. હવામાનની સ્થિતિમાં સુધારો ન થાય ત્યાં સુધી ટ્રેન સંચાલનમાં વધુ ફેરફારો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
પશ્ચિમ રેલવે દ્વારા રદ કરવામાં આવેલી મુખ્ય ટ્રેનોમાં દેશની પ્રીમિયમ ટ્રેન ગણાતી મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ/ગાંધીનગર વંદે ભારત એક્સપ્રેસ (20901/20902 & 22961/22962) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસ (12009/12010), બાંદ્રા ટર્મિનસ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ (12933/12934), મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ એસી ડબલ ડેકર (12931/12932) અને મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ ગુજરાત સુપરફાસ્ટ (22953/22954) જેવી રોજીંદી અને અત્યંત મહત્વની ટ્રેનો સંપૂર્ણપણે રદ કરી દેવામાં આવી છે.
વધુમાં, કોર્પોરેટ સેક્ટરમાં લોકપ્રિય એવી અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ તેજસ એક્સપ્રેસ (82902/901) પણ રદ કરાઈ છે. રાત્રિ દરમિયાન મુસાફરી કરતી લોકપ્રિય ટ્રેનો જેવી કે અમદાવાદ-દાદર ગુજરાત મેઇલ (12902/12901), ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ (22956), ભુજ-દાદર સયાજી એક્સપ્રેસ (20908), લોકશક્તિ એક્સપ્રેસ (22927/22928) અને ભુજ-બાંદ્રા એસી એક્સપ્રેસ (22904)ની સેવાઓ પણ ખોરવાઈ ગઈ છે.
સ્થાનિક અને ટૂંકા અંતરના મુસાફરો માટેની ગુજરાત ક્વીન (19034), વડનગર-વલસાડ સુપરફાસ્ટ (20960), અમદાવાદ-મુંબઈ સ્પેશિયલ (09088) અને અમદાવાદ-બોરીવલી એક્સપ્રેસ (19418) જેવી ટ્રેનો રદ થવાના કારણે દરરોજ નોકરી-ધંધા માટે મુસાફરી કરતા વર્ગને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રેલવે સ્ટેશનો પર મુસાફરોના ટોળેટોળાં જોવા મળી રહ્યા છે. રેલવે તંત્ર દ્વારા સ્ટેશનો પર હેલ્પડેસ્ક શરૂ કરવામાં આવ્યા છે અને પરિસ્થિતિ સામાન્ય થતાં જ ટ્રેન વ્યવહાર પુનઃ શરૂ કરવા માટે સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.