પશ્ચિમ બંગાળના રાજકારણમાંથી હાલમાં સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં દોઢ દાયકાથી એકહથ્થુ શાસન ભોગવનાર મમતા બેનર્જીના નેતૃત્વ હેઠળની ઓલ ઇન્ડિયા તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)માં ભયંકર આંતરિક વિખવાદ અને મોટો બળવો ફાટી નીકળ્યો છે. કાઉન્સિલર અને ધારાસભ્ય સ્તરેથી શરૂ થયેલી અસંતોષની આ આગ હવે પાર્ટીના સાંસદો સુધી પહોંચી ગઈ છે, જેના કારણે મમતા બેનર્જીનું રાજકીય સામ્રાજ્ય પત્તાના મહેલની જેમ વિખેરાઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભૂતપૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત ટીએમસીના 20 સાંસદ બળવો કરી એનડીએને સમર્થન આપવા સજ્જ થયા હોય તેવું બહાર આવ્યું છે. આ માટે યુસુફ પઠાણ દિલ્હી પહોંચી ગયા છે.
રાજકીય વર્તુળોમાં એવી જોરદાર અટકળો છે કે ટીએમસીના બળવાખોર સાંસદોનું એક મોટું જૂથ આજે લોકસભા સ્પીકર ઓમ બિરલાને મળીને સત્તાવાર પત્ર સુપરત કરી શકે છે, જેમાં તેઓ મમતા બેનર્જીનો સાથ છોડીને કેન્દ્રની એનડીએ (એનડીએ) સરકારને સમર્થન આપવાની જાહેરાત કરશે.
રાજ્યમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં અણધારી કારમી હાર બાદથી જ ટીએમસીમાં ભડકો થયો હતો. પશ્ચિમ બંગાળના ઇતિહાસમાં પહેલીવાર ભારતીય જનતા પાર્ટી ૨૦૭ બેઠકો મેળવીને પ્રચંડ બહુમતી સાથે સત્તા પર આવી છે, જ્યારે મમતા બેનર્જીની પાર્ટી ૨૯૪ માંથી માત્ર ૮૦ બેઠકો પર સમેટાઈ ગઈ છે. કોંગ્રેસ અને ડાબેરી પક્ષોએ પણ નજીવી બેઠકો મેળવી છે. ગત ચોથી મેના રોજ ચૂંટણી પરિણામો જાહેર થયા ત્યારથી જ મમતા બેનર્જીના ભત્રીજા અને લોકસભા સાંસદ અભિષેક બેનર્જી પક્ષના નેતાઓના નિશાના પર છે. ધારાસભ્યો અને વરિષ્ઠ સાંસદોએ ખુલ્લેઆમ તેમની કાર્યશૈલી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે અને સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ નવા રાજકીય જૂથમાં અભિષેક બેનર્જીની કોઈ ભૂમિકા સ્વીકારશે નહીં. હવે બળવાખોર સાંસદો વરિષ્ઠ નેતા કાકોલી ઘોષ દસ્તીદારને પોતાના નવા નેતા તરીકે સ્વીકારવા તૈયાર થયા છે.
આ આખો ઘટનાક્રમ એવા સમયે આકાર પામ્યો જ્યારે મમતા બેનર્જી દિલ્હીમાં વિરોધ પક્ષોના 'ઇન્ડિયા' ગઠબંધનની બેઠકમાં હાજરી આપી રહ્યા હતા. એક તરફ મમતા સોનિયા ગાંધીને આલિંગન આપીને વિપક્ષી એકતાનો સંદેશ આપતા હતા, તો બીજી તરફ દિલ્હીમાં જ તેમની પીઠ પાછળ મોટું ઓપરેશન પાર પાડવામાં આવી રહ્યું હતું. પક્ષના આંતરિક સૂત્રોના જણાવ્યા અનુસાર, બળવાખોર સાંસદો તાત્કાલિક ટીએમસીમાંથી રાજીનામું આપશે નહીં કે સીધા ભાજપમાં જોડાશે નહીં. તેઓ પક્ષપલટા વિરોધી કાયદાના કંજામાંથી બચવા માટે એનડીએને ટેકો આપતું એક અલગ સ્વાયત્ત જૂથ બનાવશે. લોકસભામાં હાલમાં ટીએમસી પાસે ૨૮ સાંસદો છે, જેમાંથી બશીરહાટના સાંસદ હાજી નુરુલ ઇસ્લામના અવસાન બાદ એક બેઠક ખાલી પડી છે. જો ૨૦ સાંસદો અલગ જૂથ બનાવે તો પક્ષપલટા વિરોધી કાયદાને રોકવા માટે જરૂરી બે-તૃતીયાંશ (૨/૩) ની બહુમતી સરળતાથી મળી જશે.
ટીએમસી નેતા કીર્તિ આઝાદે આ તમામ વાતોને ભાજપની અફવા ગણાવી છે અને દાવો કર્યો છે કે ભૂપેન્દ્ર યાદવના ઘરે માત્ર ૧૩ સાંસદો જ ગયા હતા અને શત્રુઘ્ન સિંહા જેવા વફાદાર નેતાઓને બદનામ કરવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે. જો કે, હાલના સંજોગો જોતાં મમતા બેનર્જી સામે પશ્ચિમ બંગાળ અને દિલ્હી બંને મોરચે અસ્તિત્વની લડાઈ ઉભી થઈ છે.
દિલ્હીમાં ભાજપ નેતાઓ સાથે ગુપ્ત બેઠકોનો દોર
બળવાખોર સાંસદોની રણનીતિને આખરી ઓપ આપવા માટે દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવના નિવાસસ્થાને એક હાઈ-પ્રોફાઈલ ગુપ્ત બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના નવા મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારી પણ ખાસ હાજર રહ્યા હતા. સોશિયલ મીડિયા પર આ બેઠકનો એક કથિત ફોટો પણ જોરદાર વાયરલ થઈ રહ્યો છે, જેમાં રાજ્યસભા સાંસદ સુખેન્દુ શેખર રોય, અબુ તાહિર, અસિત માલ, અરૂપ ચક્રવર્તી, કાલીપદ ખેરવાલ, જગદીશ બાસુનિયા, પ્રસૂન બેનર્જી, શર્મિલા સરકાર અને શતાબ્દી રોય જેવા અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. ભાજપના સૂત્રોનો દાવો છે કે હાલમાં 15 સાંસદોએ સમર્થન પત્ર પર હસ્તાક્ષર કરી દીધા છે અને અન્ય સાંસદો પણ સહી કરવા માટે ફ્લાઇટ પકડીને દિલ્હી આવી રહ્યા છે. બળવાખોર જૂથના વડા કાકોલી ઘોષ દસ્તીદારે ફોન પર પુષ્ટિ કરી છે કે તેમના સહિત આશરે ૨૦ સાંસદો સ્પીકર ઓમ બિરલાને ઔપચારિક પત્ર આપશે.
યુસુફ પઠાણ પર મહુઆ મોઇત્રાના આકરા પ્રહારો
આ મહાબળવામાં પૂર્વ ભારતીય ક્રિકેટર અને બહેરામપુરના સાંસદ યુસુફ પઠાણનું નામ જોડાતા રાજકારણ વધુ ગરમાયું છે. વરિષ્ઠ નેતા કાકોલી ઘોષે પઠાણના જોડાવાના સ્પષ્ટ સંકેતો આપ્યા છે. આ દરમિયાન ટીએમસીના આક્રમક નેતા મહુઆ મોઇત્રાએ યુસુફ પઠાણ પર આકરા પ્રહારો કરતા સોશિયલ મીડિયા પર લખ્યું કે, "યુસુફ પઠાણ, શું અમિત શાહનો ફોન આવતા જ તમે દિલ્હી દોડી રહ્યા છો? દેશ માટે રમી ચૂક્યા છો, થોડી હિંમત અને શરમ રાખો. જિલ્લાની જનતાએ તમને ભારે મતોથી જીતાડ્યા છે." અગાઉ એવા પણ અહેવાલો હતા કે મમતા બેનર્જીને પેટાચૂંટણી લડાવવા માટે યુસુફ પઠાણ પાસે રાજીનામું મંગાવાયું હતું અને સૌરવ ગાંગુલી દ્વારા પણ મધ્યસ્થતા કરાવાઈ હતી, પરંતુ પઠાણે ઇનકાર કર્યો હતો.